• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


2/2/15

શારીરિક તકલીફ હોય તો સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકના ચાર્જમાંથી મુક્તિ મળશે

શારીરિક તકલીફ હોય તો સિનિયર શિક્ષકને
મુખ્ય શિક્ષકના ચાર્જમાંથી મુક્તિ મળશે
પરિપત્ર
પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત બાદ શિક્ષણ વિભાગનો નિર્ણય.
નવગુજરાત સમય
રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં મુખ્ય શિક્ષક તરીકે સૌથી સિનિયર શિક્ષકને જ મુકવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જોકે તેમ છતાં રાજ્યની અનેક સ્કૂલોમાં જુનિયર શિક્ષકોને ચાર્જ સોંપાયો હોઈ શિક્ષણ વિભાગે આ મુદ્દે લાલ આંખ કરી તે જગ્યાઓ પર સિનિયર શિક્ષકોને જ ચાર્જ આપવા આદેશ કર્યો હતો. જોકે બીજી બાજુ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી સિનિયર શિક્ષક શારીરિક અથવા તો અન્ય તકલીફના લીધે મુખ્ય શિક્ષક બનવા ન માંગતા હોય તો તેમને મુક્તિ આપવા જણાવ્યું હતું. જેથી શિક્ષણ વિભાગે શારીરિક અથવા તો અન્ય તકલીફ હોય તેવા કિસ્સામાં બીજા ક્રમના સિનિયર શિક્ષકને ચાર્જ સોંપવા આદેશ કર્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક સ્કૂલોમાં સિનિયર શિક્ષકોને મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપવા માટે પરિપત્ર કર્યો છે. જેમાં નિવૃત્ત થતાં મુખ્ય શિક્ષકની જગ્યાએ શાળાના સૌથી સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવા આદેશ કરાયો હતો. જો સિનિયોરિટી ધરાવતા શિક્ષક તેઓની સંમતિથી મુખ્ય શિક્ષકનો ચાર્જ ન લેવા માંગે તો તેઓને આપવામાં આવેલા ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ પરત કરવાનો રહેશે. દરમિયાન રાજ્યની અનેક પ્રાથમિક સ્કૂલોમાં સિનિયરના બદલે જુનિયર શિક્ષકો પાસે મુખ્ય શિક્ષકનો ચાર્જ હોવાનું ધ્યાને આવતા તેમની સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી હતી.

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરાઈ હતી કે, સિનિયોરિટી ધરાવતા કોઈ શિક્ષક શારીરિક કે અન્ય કોઈ તકલીફોને લઈને મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળી શકે તેમ ન હોય તેમની સંમતિ મેળવી તેવા શિક્ષકની ભલામણ સંઘ દ્વારા કરવામાં આવે તો ઘટતી કાર્યવાહી કરવી જોઈએ. જેથી શિક્ષણ વિભાગે સંઘની રજૂઆતને ધ્યાને લઈ તમામ ડીપીઈઓ તથા સ્કૂલોને આદેશ કર્યો હતો કે, સ્કૂલમાં સૌથી સિનિયર શિક્ષક હોય તેને જ મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવાનો રહેશે. પરંતુ જો કોઈ શિક્ષક શારીરિક તકલીફ રજૂ કરે અથવા તો અન્ય કોઈ વ્યાજબી કારણોસર ચાર્જ સંભાળવા માંગતા ન હોય તો તેઓની સંમતિથી બીજા ક્રમના સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવાનો રહેશે.

આ રીતે ચાર્જ સંભાળવા અસંમત શિક્ષક તથા સંમત થનાર શિક્ષકનું સંમતિ પત્ર મેળવી દરખાસ્ત સાથે રજૂ કરવા પણ આદેશ કરાયો છે. ત્યારબાદ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જરૂરી હકીકતો દર્શાવી સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફતે મુખ્ય શિક્ષકના ચાર્જ અંગે દરખાસ્ત કરવાની રહેશે. આમ હવે શારીરિક તકલીફ અથવા તો અન્ય મુશ્કેલી હોય તો સિનિયર શિક્ષક મુખ્ય શિક્ષકના ચાર્જમાંથી મુક્ત થઈ શકશે.
આ સ્થિતિમાં તેમના પછીના બીજા ક્રમના સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપાશે