સુરત, ગુરુવાર
સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા માટે જિલ્લા કક્ષાએ ઓ.એમ.આર પધ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું આયોજન થયુ છે.
જિલ્લા પંચાયત ખાતે તાજેતરમાં જ સુરત જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પંચાયતની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર સુધારવાની સાથે હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં અન્ય ખાનગી સ્કુલોની સામે કેવી રીતે ટકી શકે તેમજ આ વિદ્યાર્થીઓમાંથી હોશિયાર વિદ્યાર્થીની શોધ કરવાનું નક્કી કર્યુ છે.
આ માટે આગામી ડિસેમ્બર મહિનામાં જિલ્લા કક્ષાની એક સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું નક્કી થયુ હતુ. ઓએમઆર પધ્ધતિથી લેવાનારી આ પરીક્ષામાં ધો.૬ થી ૮ના બાળકોનો સમાવેશ કરાશે.
આ સિવાય બાળકોમાં રહેલી સુશ્રુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે જિલ્લા કક્ષાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી, પહેલો નંબર લાવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો અપાશે. તેમજ શાળાના શિક્ષકો, સી.આર.સી., બી.આર.સી. તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો એક સેમિનાર યોજાશે. આ સેમિનારમાં શિક્ષણમાં આવી રહેલા આમૂલ પરિવર્તનો શિક્ષણનું મૂલ્ય, વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત થાય, નવી શિક્ષણ પધ્ધતિ વિશે ચર્ચા થશે. આમ પંચાયતની શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રયાસો થઇ રહ્યા છે.
Info by : prakash parmar